Uncategorized

કોર્પોરેશનની ટર્મના અંતિમ દિવસે ગોમતીપુરમાં સફાઈ કર્મચારીઓનો સન્માન સમારંભ – ગોમતીપુરના

કોર્પોરેટરોની અનોખી પહેલ

અમદાવાદ મહાનગરપાલિકાની 2021 થી 2026 ની ટર્મ પૂર્ણ થવાના અવસરે ગોમતીપુર વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેટર સર્વશ્રી ઈકબાલ શેખ અને ઝુલ્ફી ખાન પઠાણ દ્વારા ગોમતીપુરના સફાઈ કામદારો તેમજ ડ્રેનેજ અને મેન્ટેનન્સ વિભાગના સુપરવાઇઝરોના સન્માન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ગોમતીપુર ખાતે આવેલા બાલભવન માસ્ટર સ્ટેશનના પટાંગણમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના સાથે કરવામાં આવી હતી, જે ગોમતીપુર વિસ્તારની સામાજિક એકતા અને સૌહાર્દની પરંપરાને દર્શાવે છે.

આ પ્રસંગે મણકીવાલા આશ્રમના રેવાનંદગીરીજી, ક્રિશ્ચિયન સમાજના આગેવાન અમૃતભાઈ મેકવાન, શીખ સમાજના આગેવાન નરેન્દ્રસિંહ ભૂસરી, મુસ્લિમ સમાજના અગ્રણી મોહમ્મદ અલી રાઠોડ તથા ગ્યાસુદ્દીન શેખ, સેનેટરી સુપ્રિન્ટેન્ડન્ટ મહેશભાઈ ભુસારા, આસિસ્ટન્ટ સિટી ઇજનેર ગુલામ મોયુદ્દીન દુરાની, અનુસૂચિત જાતિના અગ્રણી હિતેશભાઈ પરમાર સહિતના મહાનુભાવો હાજર રહી કાર્યક્રમને શોભાવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ગોમતીપુર વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પાંચ સફાઈ કામદારો – ભાનુમતિબેન જગદીશભાઈ, રમીલાબેન વાલજીભાઈ, ચંપાબેન રોહિતભાઈ, સરોજબેન છગનભાઈ અને વિનોદભાઈ ચેહરા – નું મંચ ઉપર શાલ અને પુષ્પગુચ્છ આપી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

તે ઉપરાંત કુલ 80 જેટલા સફાઈ કામદારોને કાપડનો ડ્રેસ, શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું સફળ સંચાલન કાસમભાઈ ખુરશીદ શેખ, જલાલુદ્દીન, ચંદુભાઈ સાસીયા, સલીમભાઈ સેજાદ, પપ્પુ ખાન, પ્રવીણભાઈ અને કમલેશભાઈ સહિતના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડમાં 192 કોર્પોરેટરો છે, પરંતુ ટર્મના અંતિમ દિવસે પોતાના વિસ્તારમાં સફાઈ કર્મચારીઓનું આ રીતે જાહેર સન્માન કરવાનો કાર્યક્રમ બહુ ઓછા વિસ્તારોમાં જોવા મળ્યો.

ગોમતીપુરના કોર્પોરેટરો દ્વારા ટર્મના છેલ્લે દિવસે મંચ ઉપરથી સફાઈ કર્મચારીઓના પરિશ્રમને માન આપી અને તેમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો, જે અન્ય લોકપ્રતિનિધિઓ માટે પણ પ્રેરણાદાયી બની શકે તેવી ચર્ચા શહેરમાં થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!